ચોત્રીસ “શું?” સોનલબાના ચહેરા પરની ઉત્કંઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી. “એક જ વ્યક્તિ તમારો અને એમનો પીછો કરી રહ્યો છે બરોબર?” વરુણે પ્રશ્ન ઉઠાવ્યો. “એકની એક વાર કેટલી વખત કરું ભઈલા?” સોનલબા વરુણ પાસેથી કોઈ આઈડિયાની અપેક્ષા કરી રહ્યા હતા એટલે એમનો રોષ બહાર આવી ગયો. “એટલે... મારો કહેવાનો મતલબ એવો છે કે એમણે તો તમને કારણ નથી આપ્યું કે એ વ્યક્તિ એમનો પીછો કેમ કરી રહ્યો છે અને તમને ખબર નથી કે એ તમારો પીછો કેમ કરી રહ્યો છે...” વરુણે પાણી પીવા વાક્ય અધૂરું મુક્યું. “તારે શું કહેવું છે એ જરા કહીશ હવે? આ ઉખાણાં બંધ કર હવે.”