" હે ! અમારા જેવા નોધારાના આધાર, હે ! મારા ભગવાન તેં જેમ મારા ગર્ભને ઊજળો કર્યો એમ મારા જીવતરને ઉજળું કરે એવું સંતાન દેજે." રામજી મંદિરની આરતી પુરી થયા પછી એક ગામઠી ભાષામાં પોતાની રીતે, સાડીનો ખોળો પાથરીને ભગવાન રામને ઝમકુ વિનંતી કરી રહી હતી. ભગવાન રામ પણ કદાચ આજે ગામના સાત-આઠ ભક્તોમાં આ ભક્તની ચોખ્ખા હૃદયની પ્રાર્થના સાંભળી રહ્યા હશે. આમ તો ઝમકુ કે એમનો સમાજ કોઈ દિવસ મંદિરે જતો નહિ. પણ એનો મતલબ એવો પણ નથી કે એ લોકો નાસ્તિક હતા. આખો દિવસ મજૂરી ખેંચીને આવેલા લોકોને તો ભગવાન પણ માફ કરી દે.