નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૧ : આખરે એક નામ મળે છે મનોજ ઊંડા વિચારમાં પડી ગયો હતો. મિહિરના સાંકડા અને પુસ્તકો, છાપાં, વિજ્ઞાનનાં સાધનોથી ખીચોખીચ ભરેલા ઓરડામાં પણ એ આમથી તેમ, આમથી તેમ ટહેલી રહ્યો હતો. જાણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોઈ ગૂઢ કોયડાનો ઉકેલ ખોળવાની મથામણ કરતા હોય એવો એનો દેખાવ હતો. પરંતુ જ્ઞાનની વાત સાંભળીને એ ટહેલતો અટકી ગયો. એણે ભવાં ચડાવીને પૂછ્યું, “પોલીસ ? અરે જ્ઞાન, તું તે ગાંડો થયો છે ? તને શું એમ લાગે છે કે ઇન્સ્પેક્ટર કાચવાલા આપણી વાત માનશે ?” બેલા બોલી ઊઠી, “એ બુઢ્ઢો અત્યારે આપણી વાત નહિ માને, પણ રવિવારે માનશે.