ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૯ : પાણાખાણની કેદ ફાલ્ગુની ભયની ચીસ પાડી ઊઠી. વિજયને વળગી પડી. વિજયે એનો ખભો આસ્તેથી દબાવ્યો. આશ્વાસન આપ્યું, ‘ગભરાઈશ નહિ, ફાલ્ગુની ! આ લોકો જૂઠું બોલીને આપણને ફસાવી ગયા છે. મને લાગે છે કે ઉસ્તાદ સોભાગમામાને ખબર પડી ગઈ હતી કે આપણે એમની વાતો સાંભળીએ છીએ. એટલે આપણે ફસાઈ ગયાં. પણ વાંધો નહિ.’ બીજલે બરાડો પાડ્યો, ‘હવે વાયડાઈ છોડીને એ ભંડકિયામાંથી બહાર નીકળો, કુરકુરિયાંઓ ! ચાલો ઊભાં થાવ !’ વિજય અને ફાલ્ગુની ભંડકિયામાંથી બહાર આવ્યાં. સલીમે પૂછ્યું, ‘હવે ?’ બીજલ કહે, ‘પેલી જૂની પાણાખાણમાં બેયને પૂરી દઈએ. ચાલો એય કુરકુરિયાંઓ ! આગળ થાવ