ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : વિજય-ફાલ્ગુની સપડાયાં સવાલ ઘણો મોટો હતો : હવે શું કરીશું ? ઊંચક્યો ઊંચકાય નહિ એવો ભારે એ સવાલ હતો. જાણે મોટો હિમાલય ! છ જ અક્ષરનો સવાલ હતો, પણ છ હજાર ટનની શિલા જેવડો મોટો હતો. એકલી ફાલ્ગુનીનો જ નહિ પણ વિજય, શીલા, મીના અને ટીકૂનો પણ એ જ સવાલ હતો : હવે શું કરીશું ? દાણચોરો પાસે તો હોડી હતી. એમાં બકુલને નાખીને એ લોકો તો દરિયા ઉપર સરસરાટ કરતા નાસી ગયા હતા. પણ આ કિશોરો પાસે એમની પાછળ પડવાનું કોઈ સાધન ક્યાંથી હોય ? શીલા તો હીબકે ચડી ગઈ હતી.