યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૯ કોઈ કંઈ સમજે એ પહેલાં વસુમા આગળ વધ્યાં, ‘‘બસ, બહુ થયું.’’ એમણે અલયનો હાથ પકડ્યો, ઘસડીને સૂર્યકાંત મહેતાની સામે લઈ ગયાં અને શાંત, સંયત છતાં સત્તાવાહી અવાજમાં કહ્યું, ‘‘માફી માગ તારા પિતાની...’’ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી વધારે અલય. એને સમજાતું નહોતું કે એણે તો એની મા માટે જ દલીલ કરી હતી. માની આટલાં વર્ષોની પીડા સમજીને એણે પિતાને આ વાત કહી હતી અને હવે એની મા જેણે આટલાં વર્ષોમાં આ બધું જ સહ્યું, જેની આંખોમાં એણે આ બધી ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોમાં અનેક વાર વાંચી હતી એ મા, એને એક એવા માણસની