યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૫ વૈભવી ચૂપચાપ રૂમનું બારણું બંધ કરીને પાછી આવીને અભયની બાજુમાં આવીને સૂઈ ગઈ હતી, પણ આજે એની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. અભયે સૂતેલી સાપણની પૂંછડી મરડીને એને જગાડી હતી... ‘‘તમારા માતુશ્રીએ ભગાડી મૂક્યા તમારા પિતાશ્રીને.’’ અભયે જવાબ જ ના આપ્યો. ‘‘મારું માનવું છે કે તમારે કાલે જઈને પપ્પાજીને અહીંયા લઈ આવવા જોઈએ.’’ વૈભવીએ ઊંધા ફરીને સૂતેલા અભયને હાથ લપેટ્યો. અભયની ચૂપકિદી વૈભવીને અકળાવા લાગી, ‘‘હું જાણું છું કે તમે બહેરા નથી.’’ ‘‘હોત તો સારું થાત.’’ અભયે હાથ ઝટકાવી નાખ્યો અને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ વૈભવી કોઈ પણ રીતે સૂર્યકાંતને આ ઘરમાં લઈ