શ્વેતા નીરજની સાથે મૈસુરુ પહોંચી ચૂકી હતી. તેઓએ લોકસાગર હોટેલમાં રોકાણ કર્યું, જે મૈસુર પેલેસથી આશરે ૫૦૦ મીટરની દૂરી પર સ્થિત હતી. રૂમ નંબર ૨૦૩, જેની બારીમાંથી દૂરબીનની મદદથી મૈસુર પેલેસ સ્પષ્ટ દેખી શકાય તેવો પસંદ કર્યો. રૂમ નક્કી કર્યા બાદ, ઓળખના પુરાવા તરીકે નીરજ પાસે કશું જ નહોતું. આથી શ્વેતાએ તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ આપ્યું. શ્વેતાએ રૂમની ચાવી લેવા માટે હાથ લાંબો કર્યો અને તેના હાથમાંથી લાઇસન્સ સરકી ગયું. તે હજી નીચે નમે તે પહેલાં જ નીરજે લાઇસન્સ ઉપાડી લીધું. ‘આ શું? કોનું લાઇસન્સ છે? ફોટો તારો અને નામ...’, નીરજે લાઇસન્સ જોતાં જ કહ્યું.