“અરે આર્યા!!! આમ લંગડાતી કેમ ચાલે છે? શું થયું?” માયાબહેન ચિંતિત ચહેરે એને તાકી રહ્યા. આર્યાએ નક્કી કર્યું હતું કે આજની ઘટનાઓ વિશે કોઈને કશું કહેવું નહીં. જયનો ફોન હમણાં જ આવ્યો હતો અને એની સાથે પણ આર્યાએ સ્વસ્થતાથી જ વાત કરી હતી. “કશું થયું નથી મમ્મી… આ વરસાદ જેવું છે ને તો કીચડમાં પગ લપસી ગયો.” “એટલે જ કહું છું બેટા! તું તારી જાતનું બિલકુલ ધ્યાન રાખતી નથી. મેં તને કેટલી કાળજીથી ઉછેરી છે, કદી પડવા પણ દીધી નથી. અને આજે તે વગાડ્યું? લાવ બતાવ જોઈએ કેટલું વાગ્યું છે?"