'બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે?' : ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ! તમે નહીં માનો, પણ આપણા દેશમાં ડાયાબિટીસ આજ-કાલ રોગ કરતાં વધારે સોશિયલ સ્ટેટ્સ બનતો જાય છે! બે યાર..., જબરા રોલા હોય ડાયાબિટીસવાળાઓના. જમતા પહેલાં ત્રણ જણા ગોળી યાદ કરાવે. બે-ચાર જણા 'એમને ગોળી લેવાની હોય. એમને જલદી જમવા આપી દો'ની ટાપસી પણ પુરાવે. જોકે, ડાયાબિટીસવાળાઓને એ ટાપસી પૂરતો જ ફાયદો થાય. લાપસી બની હોય તો ન મળે! જમવામાં આ રીતે 'અનામત' મળે એટલે કે વહેલો વારો આવી જાય. જમવાનું મોડું થાય અને ભૂખના માર્યા દેકારો કરે તો ઘરવાળી સાચવી પણ લે કે, 'એમને ડાયાબિટીસ છે એટલે જલદી ધખી જાય.'