વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 136 ‘ન્યૂઝલાઈન’ મૅગેઝિને સપ્ટેમ્બર, 2000ના ઈશ્યુમાં એવો ઘટસ્ફોટ કર્યો કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. એ અંક બજારમાં આવ્યો એ સાથે પાકિસ્તાનની પાવરલોબીમાં ખળભળાટ મચી ગયો. આઈએસઆઈના અધિકારીઓ એ સ્ટોરી લખનારા પાકિસ્તાની પત્રકાર ગુલામ હુસેનના ઘરમાં ઘૂસીને તેને ઊંચકી ગયા તેમણે ગુલામ હુસેન પર થર્ડ ડિગ્રી અજમાવી. સતત 48 કલાક સુધી ટોર્ચર કર્યા પછી આઈએસઆઈના અધિકારીઓને લાગ્યું કે ગુલામ હુસેન મરી જશે ત્યારે તેમણે તેની પાસે એવી સુસાઈડ નોટ લખાવી લીધી કે હું જીવનથી ત્રાસીને આપઘાત કરી રહ્યો છું. એ પછી ગુલામ હુસેને પત્રકારત્વ છોડી દીધું અને સતત મોતના ભય હેઠળ રહ્યા