અનંત મેઘલી રાતે આવા બિહામણાં જંગલમાં લટાર મારવા શું કામ આવે? અને એ પણ કોઇને જાણ કર્યા વગર? અભયને ક્યારનો આ પ્રશ્ન મૂંઝવતો હતો. પૃથ્વીસિંહજીની વેરાન પડેલી હવેલીના ગેટ સામે તે બુલેટનું સ્ટેન્ડ ઠેરવીને ઉભો હતો. રાતનાં સાડા અગીયારનો સમય થયો હતો. આ એવો સમય હતો કે જો અનંત લટાર મારવા આ તરફ આવ્યો હોય તો પણ પાછો પોતાની હવેલીએ પાછા વળી જાય. આટલી મોડી રાતે અહીં હોવાનું તેની પાસે કોઇ કારણ નહોતું.