બલભદ્ર નાયક, ધનંજય, કોબ્રા, યુશુફ, ડી.એસ.પી. બધાએ બલભદ્રના બંગલા ઉપર મિટિંગ ગોઠવી. બલભદ્રએ રાજીવ દીક્ષિતને પણ પરાણે એ મિટિંગમાં લાવ્યો હતો. ખૂણામાં એક ચેરમાં હોઠ સીવેલા હોય એમ રાજીવ દિક્ષિત ચુપચાપ બેઠા હતા. "ગાડી ક્યાંથી મળી?" કેટલીયે વાર વિચાર્યા પછી ડી.એસ.પી.એ પૂછ્યું. "ગાડી તો મુંબઈમાંથી જ મળી ગઈ હતી." બલભદ્રએ કહ્યું. "એનો અર્થ એ કે લૂંટ કરનારને ગાડીમાં જી.પી.એસ. છે એ વાતની ખબર જ હતી." કોબ્રાએ કહ્યું. "હા ખબર જ હતીને અને લૂંટ કરનાર કોઈ મૂરખ તો ન જ હોય ને? ફોર્ચ્યુનમાં જી.પી.એસ. હોય એ તો બચ્ચા બચ્ચાને ખબર છે કોબ્રા..." બલભદ્રને કોબ્રાની વાત જરાય ગમી ન હોય એમ ચિડાઈને બોલ્યો.