આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે. અસાધ્ય ગણાતાં રોગોનાં ઉપચાર બાબતે વેદિક સંસ્કૃતિ ઘણી આગળ હતી. રામાયણનાં યુધ્ધ સમયે જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણ પર છોડવામાં આવેલા બાણને પ્રતાપે તેઓ મૂર્છાને વશ થઈ ગયા હતાં, તે વખતે પવનપુત્ર હનુમાને હિમાલય પરની સંજીવની જડીબુટ્ટી થકી તેમનાં પ્રાણની રક્ષા કરી હતી. આજે જ્યારે આ તમામ કથાઓ પર પુનર્દ્રષ્ટિ પડે છે ત્યારે સમજાય છે કે આ કોઈ ચમત્કાર નહી, પરંતુ શત-પ્રતિશત વિજ્ઞાનનો ખેલ હતો.