રાજસંગે પિસ્તોલ હાથમાં લીધી. તેના એક હાથમાં પિસ્તોલ હતી અને બીજા હાથે ટોર્ચ પકડી હતી. ઘોર અંધકારને ચિરતો ટોર્ચનો પ્રકાશ ગોળ કૂંડાળામાં પથરાઈને સામેની દિશા ઉજાગર કરતો હતો. સાવધાનીથી ધીમા પગલે તે સ્કૂટર તરફ આગળ વધ્યો. આવી અવાવારૂં જગ્યાએ સ્કૂટર પડેલું જોઇને તેનું માથું ઠનક્યું હતું. જે યુવતીની તેને તલાશ હતી એ યુવતીનું જ આ સ્કૂટર હોવું જોઇએ એ તેને સમજાઇ ચૂકયું હતું. મતલબ કે તે પોતાની મંઝિલથી ઘણો નજીક હતો.