કિરણ પટેલ પહોંચેલી માયા હતો. મોટા સાહેબની પરમિશન તે ચપટી વગાડતામાં લઈ આવ્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે એક પ્રકારની પ્રોસિઝરને અનૂસર્યા વગર આવી રીતે કોઈ પોલીસ રેકોર્ડ જોઈ શકે નહી પરંતુ અભયે બારૈયા સાહેબનો હવાલો આપ્યો હતો એટલે કિરણ પટેલે તેનું કામ અસાન કરી આપ્યું હતું. તે અભયને જૂના પોલીસ સ્ટેશનનાં રેકોર્ડરૂમમાં લઈ આવ્યો. રાજપીપળાથી જે પોટલાઓ ભરીને રેકોર્ડસ્ આવ્યાં હતા તેને એક અલાયદી રૂમમાં રાખવામાં આવ્યાં હતા. કિરણે રૂમનો દરવાજો ખોલ્યો અને તેઓ અંદર દાખલ થયા. રૂમની અંદર લાઇનબંધ લોખંડના ઘોડાઓ હતા અને એ ઘોડાઓમાં ઢગલાબંધ પોટલાઓ ઠૂસી-ઠૂસીને ભર્યા હતા.