દેવાએ અભયને કૂવાની પાળે ઝળૂંબતો જોયો હતો. તેની ઉપર હુમલો કરવાનો આ જ સોનેરી મોકો હતો. હાથમાં પકડેલા વજનદાર લઠ્ઠ ઉપર તેના આંગળા મજબુતીથી ભિંસાયા. અધૂકડા નીચા નમીને કૂવાની પાળી પાછળ સંતાતો તે અભય તરફ આગળ વધ્યો. સાવધાનીથી તે અભયની સાવ નજીક પહોંચ્યો અને બન્ને હાથે ભારેખમ લઠ્ઠ ઉઠાવી અત્યંત તાકતથી તેની ઉપર ઝિંકી દીધો. એ હુમલો સાવ અણ-ચિંતવ્યો હતો. અભય સહેજપણ ગફલતમાં રહ્યો હોત કે હજું પણ કૂવામાં ઝાંકતો હોત તો દેવા નાં ભારેખમ લઠ્ઠનો ઘા સિધો જ તેના માથા ઉપર ઝિંકાયો હોત અને તેની ખોપરી ત્યાં જ ફાટી ગઇ હોત. પરંતુ અભયે પોતાની બાજુમાં થતી હલચલ નોંધી હતી અને તેણે દેવા નો વાર પોતાના બેટ ઉપર ઝિલી લીધો હતો.