અરૂણ ગવળી ગેંગનું ‘ઈકોનોમિક્સ’ સમજાવી રહેલા પપ્પુ ટકલાએ વચ્ચે એક નાનકડો બ્રેક લીધો. તે અંદરના રૂમમાં જઈને પાંચ મિનિટ પછી પાછો આવ્યો. પપ્પુ ટકલાએ કદાચ ફોન પર કોઈ સાથે વાત કરવા માટે અંદરના રૂમમાં જવુ પડ્યું હશે એવું અનુમાન અમે કર્યું. એણે પાછા આવીને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને આદતવશ અમને પૂછી લીધું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ એણે વાતનો દોર સાધી લીધો, ‘અરૂણ ગવળીની જેમ જ દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન કે કોઈ પણ ડૉને પોતાની ગેંગ ચલાવવા માટે બેફામ ખર્ચ કરવો પડે છે.