પ્રકરણ – 7 ‘ઉતાવળે આંબા નહીં પાકે’ મમ્મી વારંવાર આ કહેતી હોય છે, અચાનક જ મને એ યાદ આવી ગયું. ચાવીનો ઝૂમખો ખેંચવામાં જો ઉતાવળ થઈ ગઈ તો વોચમેન અંકલની આંખ ખૂલી જશે, એ કારણે મેં થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું! બીક લાગતી હતી પણ પહેલાંથી થોડી ઓછી લાગતી હતી. નિમેષને લાત માર્યા પછી મારામાં થોડી હિંમત આવી ગઈ હતી. વોચમેન અંકલનો ઘોરવાનો અવાજ ફરી શરૂ થયો પછી જ હું દિવાલની ઓથેથી બહાર નીકળ્યો. બેઠો બેઠો બિલ્લીની જેમ ચાલતો ચાવીવાળી ખુરશી પાસે પહોંચ્યો. નસકોરાં બોલાવતા અંકલની સામે ઊભા થવાની મને બીક લાગતી હતી, એનું એક કારણ હતું.