ધમ્મ...તેના કૂદી પડવાનો ધીમો અવાજ થયો. થયેલા અવાજની શું પ્રતિક્રિયા થાય છે, તે જાણવા માટે તે થોડી વાર સુધી ત્યાંજ કાન સરવા કરીને બેસી રહ્યો. પરંતુ ક્યાંય કોઇ હિલચાલ થઇ નહીં, એટલે તે ચાર પગે (બે હાથ, બે પગ) જાનવરની જેમ ચૂપચાપ ચાલતો-ચાલતો હવેલીના મકાન તરફ આગળ વધ્યો. હવેલીનું પાછળનું પ્રાંગણ એકદમ વેરાન હતું. ચારે તરફ વૃક્ષોનાં સૂકાં પાંદડાઓના ઢગલા પડયા હતા અને ઘૂંટણ સુધી ઊંચાઇનું જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું. ઘાસની વચ્ચે થઇને તે હવેલીના પાછળના એક કમરાની બારી પાસે આવ્યો. પછી તે ચૂપચાપ ઊભો થયો અને એમ ને એમ બે ચાર પળો ઊભો રહ્યો.