પોલીસ ઓફિસર મિત્રએ ગુંડાઓને ગોળીએ દેવાની વાત કરી એથી પપ્પુ ટકલાના ચહેરા પર અણગમાની લાગણી તરી આવી. પણ તરત જ એણે ચહેરા પરથી એ ભાવ ખંખેરી નાખ્યો અને એની વાતનો તંતુ પકડી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે અમર નાઈક ગેંગ સાથે હાથ મિલાવ્યા અને છોટા રાજને અરુણ ગવળી ગેંગ સાથે સમજૂતી કરી એ પછી બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ થયો. દાઉદ ઇબ્રાહિમ ડ્રગ સ્મગલિંગમાં સક્રિય બન્યો હતો અને એ માટે એને અમર નાઈક ગેંગની મદદ મળી હતી. તો દાઉદની ડ્રગ સ્મગલિંગની સિન્ડીકેટ તોડી પાડવા માટે છોટા રાજન અને અરુણ ગવળી સક્રિય બન્યા હતા.