દાયકાઓથી અડાબીડ જંગલ અને પહાડી ચટ્ટાનો સાથે બાથ ભીડીને તિબેટ આવ-જા કરતાં તિબેટ મુક્તિવાહિનીના લડાકુઓ ભયંકર શિસ્ત અને ચુસ્ત સતર્કતાનો પર્યાય હતા. જ્યાં પણ કેમ્પ ઢાળ્યો હોય ત્યાં ત્રણ દિશાએથી નજર રાખવાનો તેમનો ક્રમ હતો. પુલામા શાંગરાની સામેની પહાડી પર તૈનાત તિબેટીઓની કેળવાયેલી આંખોએ કાળા ડિબાંગ અંધારા વચ્ચે ય ત્રણ હોડીની હાજરી પારખી લીધી હતી. બ્રહ્મપુત્રમાં ફરતી હોડીઓ એ કોઈ નવાઈની વાત ન હતી. બેય કાંઠાઓ પર દૂર સુધી પથરાયેલા હુકમા, બોડો, નિરયા આદિવાસીઓના કબીલાઓની આવ-જા હોડીઓ મારફત જ થતી.