રત્નમણિશંકર નીલકંઠ શાસ્ત્રી મારા દાદા થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણ. ઉંમર વર્ષ ૯૬. તેમને આશા છે કે તેમની શતાબ્દી તેમની હાજરીમાં ઊજવાશે. આમ તો ધાર્યુ હરિનું થાય છે, પણ બ્રાહ્મણ ફળિયામાં ધાર્યુ રત્નમણિશંકરનું જ થાય. બને ત્યાં સુધી બહુ ધારે નહીં, પણ ધારે તો થાય. ઘરમાં આજે પણ અગ્નિ પ્રદીપ્ત! તેમના બાપા અંધ થયેલા ૫૮ વર્ષે ને તે પછી તો બીજાં પચાસ વર્ષ આંખો વગર કાઢેલાં. તેમનું નાક તેમની આંખો હતી. અજવાળું એ સૂંઘતા. દાદાની આંખો સારી, ચશ્માં નથી. વેદપાઠ આજેય કરે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત! સંસ્કૃતમાં પ્રવચન કરે. તત્વજ્ઞાનમાં યે પારંગત. કાવ્યો લખે. આજે પણ તેમણે એક કાવ્ય ન સિવાયેલાં વસ્ત્રો વિશે