પપ્પુ ટકલા મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે પોલીસ ઓફિસર મિત્રની આંખમાં શંકા વંચાતી હતી. અમે એમની સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું એટલે તેઓ ધીમેથી બોલ્યા, ‘આ માણસ વળી જાકુબના ધંધા કરવા માંડ્યો લાગે છે.’ તેઓ આગળ કંઈક બોલવા જતા હતા ત્યાં પપ્પુ ટકલાએ મોબાઈલ પર વાત પૂરી કરી અને એ અમારી પાસે આવ્યો એટલે એમણે ચુપકીદી સાધી લીધી. પપ્પુ ટકલા થોડો અસ્વસ્થ થઇ ગયો હોય એવું અમને લાગ્યું, પણ એણે અમારી સામે ગોઠવાઈને ફરી વાર અંડરવર્લ્ડ ક્થાનો દોર સાધી લીધો.