અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ…’ એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો. આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ. કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ.