પગી ટપાલ આપી ગયો છે. સરકારી કાગળો વચ્ચે સફેદ કવર જોતાં જ મેં તે પહેલું ખોલ્યું. પરાશરનો પત્ર છે. તે બારમીથી સત્તરમી જૂન વચ્ચે પાંચેક દિવસ અહીં આવે છે. મેં તેને બતાવેલ રસ્તા પ્રમાણે ટ્રેન દ્વારા મોટાબંદરે પહોંચશે. ત્યાંથી પટવા સુધી બસમાં. મેં લગભગ બે વર્ષે પહેલી વાર કેલેન્ડર જોયું. આજે દશમી જૂન. પરમદિવસે પરાશર આવશે. ‘પગી’ મેં સરવણને બોલાવ્યો. ‘કાલે રાત્રે પટવા ગેસ્ટ-હાઉસમાં રહેવું પડશે. તમે સાથે આવજો. પટવાથી ગાડું કરવું પડશે’ અને પરાશરનો પત્ર ફરી વાંચવા બેઠો.