આજે રવિવાર છે. જોકે આ સ્થળે રાત પડે અને દિવસ ઊગે તે સિવાયની કાળગણના અર્થહીન છે. આ ઉજ્જડ, વેરાન પ્રદેશમાં છૂટાછવાયા વસતા માનવી એક વરસાદથી બીજા વરસાદ સુધીના સમયને ‘વરહ’ કહે છે અને એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયના સમયને ‘દા’ડો.’. વાર-તારીખ જેવી કોઈ સમસ્યા તેમના જીવનમાં નથી. પણ મારે તો આજે રજાનો દિવસ. કચેરી આજે નહીં ખૂલે. સરવણ આજે શહેર જશે. સાધન-સામગ્રી અને ટપાલ લઈને કાલે પાછો ફરશે.