આપણને એ યાદ જ છે કે જ્યારે મુસાફરો રવાના થયા હતા ત્યારે તેમની સાથે કેટલી બધી લાગણીઓ જોડાઈ હતી. જો સાહસના શરૂઆતમાં જૂની અને નવી પેઢીમાં લાગણીઓની ઉત્તેજના એટલી ઉંચાઈએ હતી તો વિચાર કરો કે તેમના પરત આવવા પર ઉત્સાહની સીમા કેટલી હશે! લાખો લોકોએ ફ્લોરીડાના દ્વિપકલ્પને ઘેરી લીધો હતો શું તે લોકો આ ઉત્કૃષ્ટ સાહસિકોને મળવા તેમને ઘેરી વળશે નહીં? અજાણ્યા લોકોની ફોજ જે સમગ્ર વિશ્વમાંથી અમેરિકાના દરિયાકિનારે આવી પહોંચી હતી શું તે લોકો બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડનની એક ઝલક પામ્યા વગર ત્યાંથી જતા રહેશે? ના! જનતાનો ઉત્સાહી જુવાળ આ સાહસની મહાનતા પ્રત્યે જે રીતે ઉમટી પડ્યો હતો.