સમુદ્રાન્તિકે - 4

(115)
  • 17.9k
  • 10
  • 7.8k

ઠંડી થોડી વધારે લાગે છે તેવું લાગતાં હું જાગ્યો ત્યારે ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલાશ પકડતું જતું હતું. મેં સૂતાં સૂતાં જ બારી બહાર જોયા કર્યું. રાત્રે ગંભીર ગર્જના કરતો સમુદ્ર પછડાઈ પછડાઈને થાક્યો હોય તેમ શાંત થઈ ગયો છે. ઊઠીને પરસાળમાં આવ્યો તો આરામખુરશી સામે નાના ટેબલ પર ત્રાંબાના કળશમાં બાવળનું લીલુંછમ્મ દાતણ મૂકેલું છે. પગી બંગલાના ચોગાન વચ્ચે કૂવા પરથી પાણી સીંચે છે અને કવાર્ટર પાસેની કૂંડી ભરે છે.