‘હાં તો મૈં ક્યા કહ રહા થા....’ બ્લૅક લેબલનો વધુ એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને પપ્પુ ટકલા બોલ્યો. અમે કંઈ રિસ્પોન્સ આપીએ એ પહેલાં જ તેણે પોતાની આદત પ્રમાણે એના ટકલા ઉપર હાથ ફેરવીને એણે વાત આગળ ધપાવી, ‘મુંબઈમાં આમ તો પચાસના દાયકાથી જ વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીને નામે પૈસા પડાવવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ વખતે અત્યારની જેમ ખંડણીપેટે બેફામ પૈસા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું નહોતું. વળી, પ્રોટેક્શન મની ઊઘરાવનારાઓ ટપોરી ક્લાસના ગુંડાઓ રહેતા. એમની દાદાગીરી એમના વિસ્તાર પૂરતી જ સીમિત રહેતી હતી. એમનું કામ ચપ્પુથી જ ચાલી જતું હતું. પણ સાંઈઠના દાયકામાં હાજી મસ્તાન સ્મગલિંગની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે બહાર આવ્યો અને એની સાથે કરીમલાલાનું નામ પણ ઊભરી આવ્યું. અને અંડરવર્લ્ડના એકદમ ટોચના ‘માથાં’ રિવોલ્વર અને પિસ્તોલ રાખતા થયા.