૯0 વર્ષ સુધી જીવેલા વિન્સ્ટન ચર્ચિલને કોઈએ પૂછ્યું હતું, ‘તમે આટલું લાંબુ જીવ્યા કઈ રીતે ?’ ચર્ચિલે કહેલું, ‘આટલા લાંબા વર્ષોમાં મેં મારા હ્રદયમાં કોઈની પ્રત્યેના ધિક્કારને સ્થાન નથી આપ્યું.’ આપણી જાતને નુકશાન કર્યા વિના આપણો અણગમો અભિવ્યક્ત કરી શકવો, એ પણ એક માનસિક સ્વસ્થતાની નિશાની છે. અણગમો દર્શાવવાની સ્પેશિયલ તાલીમથી આપણે ઘણીવાર વંચિત રહી જતા હોઈએ છીએ. આપણી નાપસંદગી અને નામંજૂરી વ્યક્ત કરવાની આપણી રીતને કારણે આપણે લોકોમાં ઘણીવાર અપ્રિય બની જતા હોઈએ છીએ. આપણી અંગત વિચારધારા અને વ્યક્તિગત અભિપ્રાયો લઈને આપણે સમુહમાં જીવીએ છીએ.