તે દિવસે નિમુબહેન આવું શા માટે બોલ્યાં હશે તે મને સમજાયું નહોતું. પછીના સમયમાં થોડું થોડું સમજાયું હોય તોપણ તેમના કથનનો મર્મ મને પહોંચ્યો નહોતો. નિમુબહેનની રીતે વિચારવું મારા માટે સહજ નહોતું. છે અને નથી બન્ને એક જ હોય તે મારાથી મનાયું નહોતું. આજે આટલાં વરસે, જ્યારે નિમુબહેન નથી, જી’ભાઈ નથી ત્યારે આ વર્ષોથી બંધ ઘરનું, કટાયેલું તાળું ખોલું છું ત્યારે સમજાય છે કે કોઈ નથી છતાં જે હતું તે બધું જ, મારી વધતી, ઢળતી ઉમ્મરની જેમ જ મારી સાથે રહ્યું છે. આજે પણ એ ‘નથી’ થઈ શક્યું નથી.