કિંજલની આંખોમાંથી આંસુનો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, બધા ઘરવાળા ટેન્શનમાં આવી ગયા કે કિંજલ ને શું થઈ ગયું. કિંજલ ના સાસુ સસરા તરત દોડીને આવ્યા, "બેટા, તું ચિંતા ના કરીશ, તને દુઃખ નહીં પડે અમારી જોડે..!" પણ હવે એમને કેમનું સમજવું કે દુઃખ નું કારણ કંઈક અલગ હતું. કિંજલ તરત ઊભી થઈને બધાથી દૂર થોડીક ચાલી ગઈ, તેની પાછળ-પાછળ મારા પગલા ક્યારે ઉપડી ગયા એનો મને ખ્યાલ જ ના રહ્યો. કિંજલની એકદમ પાછળ હું ઊભો હતો, પૂનમની રાત હતી, બરાબર અજવાળું એના પર ફેંકાતુ હતું. ચાંદના એ પ્રકાશમાં તેના વાળ જાણે સોનેરી રંગથી ચમકતા હતા. મારા હોઠ ફફડ્યા, "કિંજલ......!"