'કિન્નર દાદા' એનો દેખાવ જ ભયાવહ હતો ખાલી એવું ન હતું, આજુબાજુના ગામોમાં એનો દબદબો હતો. લોકો એના નામથી થરથર ધ્રુજતાં. કોઈ એનો વિરોધ્ધ કરે એ એને ક્યારેય પસંદ ન આવતું. એ કપાળની વચ્ચોવચ એક મોટો ચાંદલો કરતો. વાળ લાંબા હતાં પણ એ એને અંબોડામાં છૂપાવી દેતો. જમણી આંખની બરોબર નીચે વાગેલાનું નિશાન. હંમેશા એ લીલા કલરની સાડી પહેરતો. એ શહેરનો સૌથી બદનામ અને ભયાનક 'કિન્નર' હતો. લોકો એને 'કિન્નર દાદા'તરીકે જ ઓળખતા. મારપીટ, લોકોનાં હાથપગ તોડવા, ખુન, પોલિસ કેસ એવું બધું એના માટે સામાન્ય હતું, રોજનું હતું એવું કહીએ તો પણ ચાલે ! પણ ક્યારેય એનો ગુનો સાબિત ન થતો.