ઝરમર વરસાદની ભીનાશ ઓઢીને બારીમાંથી પ્રવેશતી પવનની શીળી લહેર છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરા પર વાગતી હતી. આ જગ્યા કઈ હતી? આ માણસ કોણ હતો? અત્યારે ક્યો સમય થયો હતો? પોતે કેટલોક સમય બેહોશ રહ્યો? છપ્પનના દિમાગમાં અટકળોની સમાંતરે છૂટકારો મેળવવાની તરકીબો દોડી રહી હતી. તેને પકડનારો માણસ પોલિસવાળો ન હોય એથી ખુશ થવું જોઈએ કે એથી મુશ્કેલી વધતી હતી? છપ્પન નક્કી ન્હોતો કરી શકતો.