પંદર દિવસ પછી માણેકબાપુ જંગલમાં, ચંદ્રપુરથી બાર ગાઉ દૂર પથ્થરના ટીંબા પર બેસી વિચારતા હતા, નિવાસ બદલવાથી કેટલી બધી જૂની તફલીફો દૂર થઈ જતી હોય છે! થોડી નવી અગવડો આવે, જો કે! ત્યાં કબૂતરો ઊડતાં, અહીં પોપટનો અવાજ હતો. ત્યાં કાકડીની વેલ, જારનાં ડૂંડાં અને ખીજડાનું ઝાડ હતું, અને માથે સૂરજ તપતો. અહીં આકાશને અડતાં નામ વગરનાં વૃક્ષો હતાં. કાકડીની વેલ રોપી હતી. થોડા દાણાંય જમીનમાં વેર્યાં હતાં, પણ પંદર દિવસમાં કેટલું ઊગે?