દિવસ ઊગી ગયો હતો. પણ સૂર્યનાં કિરણો આ ગુફામાં પ્રવેશી શકે એમ ન હતાં. ભરતીને કારણે પ્રવેશદ્વાર બંધ થઈ ગયું હતું. પણ વીજળીના પ્રકાશથી દિવસ જેવું જ અજવાળું ચારે તરફ પડતું હતું. કપ્તાન નેમો ખૂબ થાકી ગયો હતો. તે પલંગ પર સૂતો હતો. તેને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવાનો કોઈ અર્થ ન હતો. કારણ કે તે પોતાની સબમરીન છોડવા ઈચ્છતો ન હતો. મૃત્યુ તેના તરફ ઉતાવળે પગલે આવી રહ્યું હતું. તે બેભાન થઈ ગયો હતો. હાર્ડિંગ અને સ્પિલેટે આ મરતા માણસની તબિયત તપાસી. તેના મોઢા પરનું તેજ ઓછું થઈ ગયું હતુ. તેની શક્તિ ઘટતી જતી હતી. તેનો જીવ હવે હ્લદયમાં અને કપાળમાં જ રહ્યો હતો.