“ઓહો, આ સજીધજીને કયાં જાય છે આજે? ” રમાબેને દિકરીને પુછયું. “મમ્મી, અમદાવાદમાં મારી ફ્રેન્ડ છે...જુમાના...એને ત્યાં ફંકશન છે.” અરીસાની સામે ઉભેલી રૂપલે આંખમાં કાજળ આંજતા જવાબ આપ્યો. “તારા પપ્પાને પુછયું તેં? ” “મમ્મી,તુ જ કહી દે ને ... હમણાં હું કહીશ તો કંઈક બોલશે પાછા... ” પ્લીઝ મમ્મી... રૂપલે વિનંતી કરતા કહ્યું. “સારૂ...પણ વહેલી પાછી આવી જજે.” રવિવાર, સપ્ટેમ્બરનો એક દિવસ – સવારે ૧૦.૩૦ વાગ્યાનો સમય થઇ રહ્યો હતો. ભાદરવા હોવા છતાંય વરસાદનું નામનિશાન ન હતું. વાતાવરણમાં ઉકળાટ હતો. રૂપલ મિસ્ત્રી વાસમાં આવેલા પોતાના ઘરેથી ચાલતી ગલીના નાકે આવી. રીક્ષા કરી, ખેડા ચોકડીએ પહોંચી. ત્યાંથી અમદાવાદની શટલ જીપમાં બેસી ગઈ. નારોલ ચોકડી ઉપર જૈમિન એને લેવા આવવાનો હતો. મમ્મીને એ જૂઠુ બોલી હતી. જુમાના નહી જૈમિન. શટલરીક્ષા ખેડાથી ઉપડી અમદાવાદ હાઈવે ઉપર સડસડાટ દોડવા લાગી. રૂપલનું નજીકનું ભૂતકાળ પણ એની આંખો સામે ઉભું થઈ ગયું. ખેડા કોમર્સ કોલેજના બીજા વર્ષમાં ભણતી રૂપલને માંડ હજી ૧૯મું પુરૂ થયું હતું. પાંચ ફુટની ઉંચાઈ. સામાન્ય આંખો અને ઘઉંવર્ણો શ્યામ વાન, ગાલ ઉપર થોડાક ખીલ ઉગી આવ્યા હતા. ટીવી ઉપર આવતી ખીલ મટાડવાની અને એક સપ્તાહમાં ગોરા થવાની અસંખ્ય કોસ્મેટીક ટયુબો એણે ચોપડી નાખી હતી. ખીલમાં કે એના રંગના ઉઘાાડમાં કોઈ ફરક પડયો ન હતો. હા, એના પપ્પાના પર્સમાંથી કેટલીક રકમ ઓછી થઈ ગઈ હતી ખરી ! હજી મહિના પહેલાની વાત છે એણે ફેસબુક ખોલ્યુંતો એક છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી. ફેસબુક ઉપર એની સખીઓ કંઈ બહુ વધારે ન હતી. કોઈ છોકરો કે પુરૂષ તો એમાંથી એકેય ફ્રેન્ડ ન હતો. કોલેજમાં એની લગભગ બધીજ સહેલીઓના બોયફ્રેન્ડ હતા. એ પણ ઇચ્છતી હતી કે એને પણ કોઈ એક મળી જાય...પણ... એ જ્યારે દર્પણમાં જોતી ત્યારે એને નિરાશા થતી. એમ કહો કે એને અરીસો જોવાનું ગમતું જ નહતું. પોતાના ગાલ ઉપરના ખીલ અને શ્યામ ચહેરો. ડાર્ક ઘઉંવર્ણો વાન... એની સખીઓએ એને ક્યારેય કહ્યું ન હતું છતાં એ સમજી શકતી હતી કે એ બહું સુંદર ન હતી. અરે સામાન્ય છોકરીઓથી પણ જાય એવી...