કાશીનાથ તૈયાર થઈને બહાર નીકળવા જતો હતો ત્યાં જ સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. આ ફોનનું એકસ્ટેન્શન આનંદની રૂમમાં હતું. બે-ત્રણ પળો બાદ ઘંટડી વાગતી બંધ થઈ ગઈ. આનંદે પોતાની રૂમમાં રિસિવર ઊંચકી લીધું છે, એ વાત તરત જ તેને સમજાઈ ગઈ. એણે ઝડપભેર આગળ વધી, ડ્રોંઈગરૂમમાં રહેલા એકસ્ટેન્શન ફોનનું રિસિવર ઊંચકીને કાને મૂકયું. ‘આનંદ...!’સામે છેડેથી કોઈકનો સ્ત્રીસ્વર તેને સંભળાયો, ‘હું ઓપેરા ગાર્ડનના ઉપરના રૂમમાં સવા સાત વાગ્યે તારી રાહ જોઈશ. હું બરાબર સવા સાત વાગ્યે ત્યાં પહોંચી જઈશ.’