પંડિત બાલકરામ શાસ્ત્રીની ધર્મપત્ની માયાને ઘણા દિવસોથી હારની લત લાગી હતી. અનેકવાર એ માટે પંડિતજીને આગ્રહ કરવા છતાં એમણે પત્ની વાત ગણકારી ન હતી. એમ તો શી રીતે કહેવાય કે પાસે પૈસા નથી. એમ કહેતાં તો એમના નામને બટ્ટો લાગે. એટલે તેઓ તર્ક અને બહાનાંનો આશરો લેતાં. ઘરેણાંથી શો ફાયદો? સોનું ચોખ્ખું મળે નહીં. તેમાંય સોની રૂપિયાના આઠ આના કરી આલે. વળી ઘરેણાં ઘરમાં રાખવાથી માથે ચોરીનોય મોટો ભય! ક્ષણવારના મોજશોખ માટે આટલી મોટી આફત વહોરી લેવી એ તો મૂર્ખતાની નિશાની ગણાય.