ત્રિભુવનદાસ ત્રિવેદીનાં ઘરમાં આખા વરસનાં તહેવારોનો ઉત્સાહ આજે જ દેખાઈ રહ્યો હતો. તેમના પત્ની ત્રિવેણીબેન તો ખુશીથી ફૂલા નહોતા સમાઈ રહ્યાં તો વ્હીલચેર પર બેસેલા તેમના સાસુનું મન પણ મોર બની થનગનાટ કરી રહ્યું હતું. ત્રિભુવનદાસ તો બહાર મીઠાઈ લેવા પણ દોડી ગયા હતા. આવો મીઠો કોલાહલ આ ઘરમાં આની પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. ત્રિવેણીબેને પોતાના દીકરા સાજનને પણ આ ખુશખબર આપવા ફોન કર્યો. " હા મમ્મી, બોલ શું કામ હતું ? " ફોન લાગતા જ સામેથી અવાજ આવ્યો. " બેટા તું ફટાફટ ઘરે આવી જા. " ત્રિવેણીબેન અતિ ઉત્સાહમાં બોલી ઊઠ્યા.