નો રીટર્ન-૨ ભાગ-૬૮ ડેલ્સો મારી બાજુમાં બેજાન પડયો હતો. હજું હમણાં જ મેં એનું નામ પુછયું હતું અને બે-ઘડીમાં તો એ મરી ચૂકયો હતો. તેનાં કપાળની ડાબી બાજું ખોપરીનું હાડકું વીંધીને તીર અંદર ઘૂસી ગયું હતું. ડેલ્સોને સહેજ હલવાનો પણ મોકો મળ્યો નહોતો. હું તેને જાણતો નહોતો છતાં તેનાં આવા ભયાનક મોતથી ખળભળી ઉઠયો હતો. સામેની તરફથી જે કોઇ પણ તીર છોડતું હતું એનો વાર એકદમ સટીક હતો, અને એ અમારી કરતાં બેહતર પોઝીશનમાં પણ હતો. મને ખુદને બીક લાગતી હતી કે જો હું સહેજ હલીશ કે બીજી કોઇ હરકત કરીશ તો મારા હાલ પણ ડેલ્સો જેવાં જ થશે.