દિવાળીની રજાઓ શરૂ થઇ ચુકેલી. એટલે બંને ઘરે હમણાં વાંચવાનું પણ બંધ હતું. પણ નવરાત્રી પર નાનકડી ગેરસમજને કારણે બંનેના મનમાં જે રોષ પ્રગટ્યો હતો, તે દિવસો પસાર થવાની સાથે વધતો રહ્યો.અજબનો સંબંધ હતો બંનેનો. એક રીતે જોતા કોઈ સંબંધ જ ન હતો. છતાં બંને એકબીજાથી એવા રિસાયા હતા, જાણે રિસાવાનો હક્ક મળી ગયો હોય.અને આ વિચારનો એકસરખો પડઘો બંનેના દિમાગમાં પડતો. 'મારે શા માટે એની પરવા કરીને એને એવું ફીલ કરાવવું જોઈએ કે હું એના પર ગુસ્સે છું ? ગુસ્સે તો એના પર થવાય જે પોતાનું હોય !'પણ રાત્રે પથારીમાં આવતો આ વિચાર સવાર પડતા જ બાષ્પીભવન થઇ જતો.