અમે નીકળ્યા. સંદીપ ના R 15 પર અમે થોડીજ વારમાં ‘પ્રિન્સ ગાર્ડન’ પહોંચ્યા. અંદર એક નાનકડા મંદિરે મસ્તક ઝુકાવી અમે પાછળ ના ભાગે ગયા. બધા સારા કપડામાં સજીને આવેલા કૉલેજ કપલ્સ ત્યાં ફરતા હતા. મેં ફરી એક વાર મનોમન પ્રિયાને ગાળો દીધી. સંદીપ મને ગર્લસ બાજુના બાંકડા પાસે ખેંચી ગયો. અમે ત્યાં ગોઠવાયા સંદીપ એની આદત મુજબ એના નખરા કરવા લાગ્યો. હું બસ અવાચક બનીને બેઠો હતો. અચાનક મારી નજર સામેના બાંકડા પર બેઠેલી એક વ્યક્તિ પર ગઈ. ચાળીસ વર્ષનો માણસ અહીં સવાર સવારમાં? અને એ પણ આમ એકીટશે સામેના ફૂલોને જોઈ રહ્યો હોય ? મને નવાઈ લાગી. મને સંદીપ ના નખરામાં કોઈ રસ ન હતો એટલે મેં એ વ્યક્તિની તપાસ કરવા ચોકીયાત ને એના વિશે પૂછવાનું નક્કી કર્યું.