કાઠિયાવાડમાં રહેવું એ સ્વર્ગના સુખથી કઇ ઓછું નથી. અહીંના એકએક વિસ્તારની અલગ-અલગ ઓળખાણ છે. આમતો આપણે સૌરાષ્ટ્રને જ કાઠિયાવાડ કહીયે છીએ. અહીંની પ્રકૃતિ હરહંમેશ જીવજીવન સાથે અનુકૂળ-પ્રતિકૂળ થતી રહે છે. એ પછી સોરઠના જંગલ હોય કે ઘેડનો સમુદ્રકીનારો, બરડાની ખીણો હોય કે હાલરનું કાંટાળુ વન, ઝાલાવાડની નદીઓ હોય કે પાંચાળ ના ઉના મેદાનો, નાઘેર અને બાબારીયાવાડના દરિયાકાંઠાના ઊપવનો અને સદાય ઘૂંઘવાટા કરતા ગીર કાઠિયાવાડની વસાહતો હોય કે ગોહિલવાડના નાના મોટા ટેકરાઓ આબધું અહીંની પ્રકૃતિનો પ્રેમદર્શી અરીસો છે.આ પ્રત્યેક વિસ્તારમાં દસથી પંદર પોતાના સંતાનોની તરસ છીપાવતી માતાઓ અને એકઆધો અડીખમ ઉભેલો પોતાને આખી વાડનો ધણી દર્શાવતો ગિરિરાજ જરૂર નોંધી શકાય છે.