સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે એ હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ આવે છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ગયું જ હતું પણ પોતાની મનોદશાનો તાગ કોઇ લઈ ન લે એની તકેદારી રાખી એણે ચહેરા પર તટસ્થતાનું મહોરું ચઢાવી લીધું. ખરેખર સમયનાં વહેણમાં એ ક્યાંની ક્યાં પહોંચી ગઇ હતી! ઘડીભર આજનો દિવસ આજના કામ બધું જ ભૂલી ગઇ હતી! આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. એને એ વેડફી નાખવા નહોતી માગતી. સાગરને મળવાનું છે. ..નવા જીવનની શરૂઆત કરવાની છે ..જૂના ખોટા સમીકરણો મીટાવી દઈ સ્તુતિની પ્રગતિ પર ધ્યાન આપવું છે. એની દરેક જરૂરિયાત પૂરી કરીશ. હું એની મા છું, જન્મદાત્રી છું॰ મારા સિવાય એનું ધ્યાન બીજું કોણ રાખે?