અર્ધી કલાક પછી સાયરસ હાર્ડિંગ અને હર્બર્ટ પડાવ પાસે આવી પહોંચ્યા. હાર્ડિંગે તેના સાથીદારોને ટૂંકામાં કહ્યું કે, આપણે ટાપુ પર હોઈએ એવું લાગે છે. વધારે ખાતરી આવતી કાલે થશે. રાત્રે અઢી હજાર ફૂટની ઊંચાઈએ બધા સૂઈ ગયા, થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. બીજે દિવસે, ૩૦મી માર્ચે,ઉતાવળે નાસ્તો પતાવી, સૌ ઊંચા શિખરની ટોચે પહોંચવા નીકળી પડ્યા. હાર્ડિંગ વિચારતો હતો કે, આ ટાપુમાં જિંદગીભર ગોંધાઈ રહેવું પડશે. આટલે દૂર કોઈ વહાણને નીકળવાનો માર્ગ ન હોય તો અહીંથી નીકળવું મુશ્કેલ પડે.