ફકીર બાબાના કહેવા પ્રમાણે ડાયનને આરતીના શરીરમાં ફરી બોલાવવાની હતી. આરતીના સાસુ સસરાએ મળી કબિલાવાસીઓને ગુરુવારે ભેગા થવા ઘરેઘરે જઈ કહી દીધેલુ. નવાઈની વાતતો એ હતી કે આખી વાત કબિલાને પહેલેથી જાણ થઈ ગઈ હતી. ગુરુવારે એક મોટા ચોગાનમાં મેળાવડો જામ્યો હતો. વર્ષોથી થઈ રહેલી બાળ હત્યાનો ઉકેલ આખો કબિલો ઝંખતો હતો. પ્રિયા અને એના બેઉ ખડતલ શરીર ધરાવતા ભાઈઓ આગળ બેઠા હતા. એક વૃક્ષ નીચેના ઓટલે આસન પાથરી આરતીને બેસાડી હતી. બધાં જ અત્યારે આરતીને કૂતુહલતાથી તાકી રહેલાં. ફકીરબાબાના કહેવા પ્રમાણે તાવિજને લોબાનની ધૂણી દેવામાં આવી. અને આરતીના બન્ને હાથ સીધા લાંબા કરાવી મૂઠ્ઠીઓ વાળવા એના સસરાએ કહ્યુ. આરતી સસરાની આજ્ઞા અનૂસરી.