આથી, ચી-ચીએ ચોખવટ કરતા કહ્યું, “જયારે અમે અહીં આવવા નીકળ્યા ત્યારે અમારી પાસે હોડી ન હતી અને દરિયાઈ સફર માટે કે ખાવાનું ખરીદવા પૈસા પણ ન્હોતા. એવા સમયે એક ખારવાએ અમને હોડી ઉછીની આપી અને અન્ય એક માણસે ખાવા-પીવાનો સામાન... ફડલબી જઈ અમારે તે બધું પાછું આપવાનું હતું, પણ અમે આફ્રિકાના કિનારે પહોંચ્યા ત્યારે હોડી ખડક સાથે ટકરાઈને ડૂબી ગઈ. હવે, ડૉક્ટર કહે છે કે તેઓ પાછા જઈને ખલાસીને બીજી હોડી લાવી આપશે. તે બાપડો ખારવો પણ ગરીબ છે અને તેની સંપત્તિમાં જે ગણો તે એકમાત્ર આ હોડી છે.” આ સાંભળી વાંદરાઓની સભામાં સન્નાટો છવાયો. બધા જેમ હતા તેમ જડવત્ ઊભા રહી કંઈક વિચારવા લાગ્યા.