માણસાઈના દીવા - 18

(34)
  • 6.8k
  • 7
  • 2.4k

બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, એ રહી—ઢોરાં ચારે. આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ગયો હતો. પછી આખું કુટુંબ વિજાપુર 'સેટલમેન્ટ'માં પુરાયું હતું. જમીન સરકારે ખાલસા કરી નાખી હતી. આજે ફરી વાર પાછા એ ભાઈઓ ખેડુ બન્યા છે, ને પારકી જમીનો ખેડે છે. રામો રવિશંકર દાદાને વીનવતો હતો: એંહ–આમ જુઓ, મહારાજ ! અમારી જમીન પાછી અલાવવાનું કંઈ કરો. અમારું કાળજું—એંહ, આંઈ (છાતી બતાવીને) ભીતરમાં કાળજું બલે છે. એમ બાળક જેવો કંઈ કંઈ બોલતો ગયો. ને વાઘદીપડા જેવા પાટણવાડિયાઓને કાબુમાં રાખનાર કળાધર રવિશંકર મહારાજ આ બધું સાંભળતા શાંત મોઢે સહેજ મોં મલકાવતા બેઠા હતા.